સ્હેજ પોરો ખાવા જેટલું સુખ એટલું કે તા. ૨૪-૭-૨૦૦૯ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે મજૂર ગામના ડાૅ. આંબેડકર ચોક, ત્રણ રસ્તા પર પાંખી હાજરીમાં ગૂજરાત વિદ્યાપીઠે લઠ્ઠાકાંડમાં ભોગ બનેલાં કુટુંબોને દિલાસો આપવા પ્રાર્થનાસભા રાખી. ગૂજરાત વિદ્યાપીઠ મોડી મોડી કેમ જાગી? જવાબમાં ગૂજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર સુદર્શન આયંગારે શબ્દે શબ્દે ભાર મૂકતાં જણાવ્યું કે, ‘એવું નથી, અમે કોઇના પર કમ્પલસન નથી મૂકવા માંગતા, જેને સંવેદના થાય તે આમાં જોડાય.’ ગૂજરાત વિદ્યાપીઠની હવે પછીની ભૂમિકા શું રહેશે? ‘આ ધીરજપૂર્વકનું, લાંબાગાળાનું કામ છે જેને નિયતપૂર્વક, સાતત્યપૂર્વક કરવાની નીતિ છે. એક વાકયમાં કહેવું હોય તો જે-તે વિસ્તારોનું ચયન કરી તે વિસ્તારમાં દારૂનું વ્યસન કેવી રીતે ઘટાડવું તે.’ આશા રાખીએ કે ગૂજરાત વિદ્યાપીઠ તેની ભૂમિકામાં ખરી ઉતરે. સાથે સાથે એટલું ઊમેરણ કરી લઇએ કે ઊપરની તસવીરમાં જે ત્રણ બાળકો દેખાય છે તેમાંથી વિશાલે આસમાની શર્ટ પહેર્યો છે. તેની ઉંમર બે વર્ષની. માતાપિતાનો એકનો એક દીકરો. પિતા કાન્તિભાઇ સોમાભાઇ આયર લઠ્ઠાકાંડમાં માૃત્યુ પામ્યા. કાન્તિભાઇ સાડીઓ પર રંગકામ કરતા. વિધવા મા કેવી રીતે વિશાલને ઉછેરશે? કેવી રીતે સારું ભણાવશે? તસવીરમાં વચ્ચે કાજલ છે, ઉંમર ત્રણ વર્ષ, અને જમણી બાજુ ભાવિકા, ઉંમર પાંચ વર્ષ. બંને પુરુષોત્તમભાઇ જયંતીભાઇ રહેવરની દીકરી. કડિયાકામ અને છૂટક મજૂરી કરતા પુરુષોત્તમભાઇએ લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવ્યો. વિધવા મા કાજલ અને ભાવિકાને કેવી રીતે ઉછેરશે? કેવી રીતે સારું ભણાવશે? આ બંને પ્રશ્નો લઠ્ઠાકાંડનો ભોગ બનેલાં મોટાભાગનાં કુટુંબોને લાગુ પડે છે. ગૂજરાત વિદ્યાપીઠ આવાં કુટુંબોનું ચયન કરી તે કુટુંબોનાં બાળકો, તરુણોના શિક્ષણની જવાબદારી ઊપાડી લે તો ગાંધીમૂલ્ય તો જળવાશે, સાથે સાથે મોટાભાગના દલિતોમાં જે બેફામ ગાંધીવિરોધ છે એમાં કંઇક અંશે (વિશેષ તો જે-તે વિસ્તારના બધા નહિ તો કેટલાક દલિતોમાં) હકારાત્મક ફેર પડશે એવી અપેક્ષા વધારે પડતી નહિ કહેવાય.
25 July, 2009
ગાંધીના અપમાનને સાંખી લેતા ગાંધીમૂલ્યરખેવાળો / (Hooch Tragedy)
Subscribe to:
Posts (Atom)