પૉણ્ડીચેરીની વિલાતી સવાર. ભૂરાશ પકડતું આભ. તાપ. ઊડીને અડવાનું મન થાય એવાં ઢગ વાદળો. દરિયો. દરિયાથી ઉપર ઊઠતા સૂર્યને સંતાડતો સૂર્યનો પ્રકાશ. પાણી પર પ્રકાશનું તીવ્ર ચળકતું રેખીલું પ્રતિબિંબ. પ્રતિબિંબથી પેદા થતો બે દરિયાનો ભાસ. ભાસમાંથી નાવડી નીકળી. આછાં ઊછળતાં મોજાં કાપતી દૂર ગઈ, ને આછકલા ધુમ્મસમાં ગુમ થઈ.
ખડકાળ કાંઠો. કાંઠા પર બાંકડો. બાંકડા પર હું. ઘડીક આંખો ખોલું, ઘડીક મીચું. લાંબો વખત આંખો મીચી. ખોલી. હોડકું કાંઠે વળ્યું. વળાંક લઈ દરિયામાં જતું રહ્યું. મારા ગાલ પરથી પરસેવાનું ટીપું સરક્યું. ચિબુક પર અટક્યું. કૅમેરા પર ટપક્યું. અને સામે એક આકૃતિ જતી ભાળી. આકૃતિ થોડું ચાલીને વળતી, નમતી, ખડકમાં કશુંક ફંફોળ્યા કરતી. ફંફોળેલું મોટા થેલામાં ભર્યા કરતી. બીજા બે નાના થેલા. ત્રણે થેલા મીણિયાના ને ખભે લટકાવેલા.
આકૃતિ ખડક પર બેઠી. થેલામાંથી બૉટલ કાઢી, બૉટલ અડધીપડધી ભરેલી. થેલામાંથી થેલી કાઢી, થેલી કશુંક ભરીને ગોળ વાળેલી. ખાધું, અફળાતાં મોજાંના અવાજમાં બચકારા ક્યાંથી સંભળાય? પાણી પીધું, ગટકારા ક્યાંથી સંભળાય? ખડકના ટેકે આકૃતિ ઊભી થઈ, ને થેલા લટકાવી ચાલતી-ચાલતી આગળ ગઈ.
આકૃતિ કેટલું ચાલતી હશે? કેટલીવાર નમતી હશે? પૉણ્ડુચેરીનો દરિયાકાંઠો એકાદ (1.2) કિલોમીટર લાંબો, તો આકૃતિ એકાદ કિલોમીટર ચાલતી હશે? થોડું ચાલીને વારેવારે નમતી હશે? ચાલવાનું તો આકૃતિ જાણે. નમવાની ગણતરી આકૃતિ શું કામ રાખે. એની બરછટ કાયામાં નમવાનું ઠંસાયેલું લાગ્યું, ને કાયાનું ટટ્ટારપણું પરસેવા ભેળું બહાર નીકળતું લાગ્યું.
પરસેવો ખારો. દરિયાનું પાણી ખારું. દરિયાનું ખારું પાણી લાખો જીવને મધમીઠું જિવાડે. ખારો પરસેવો બે ટંકનો રોટલો મીઠો કરી આપે. ખારાશમાં મીઠાશ? હા, પણ એકમાં ભરીભાદરી, તો બીજામાં હખેદખે જીવી જવાય એટલી એટલે નામની. ઘડીક તો લાગ્યું કે દરિયાકાંઠે મથતી આકૃતિની રગોમાં પરસેવો તો નહીં હોય ને? ને મેં પરસેવો લૂછ્યો.
Super Uma....
ReplyDeleteVery nice
ReplyDeleteખૂબ સરસ
ReplyDelete