01 October, 2026

છનાભાઈ : યુવાનીમાં ડ્રાઇવિંગ ને પછી માછીમારી

'ચુમાહામંઅ્ થ્યું 'તું. એટલ કઅ્ હું ઘરે હતો.' જાળમાં ફસાયેલી ચૈયા માછલી કાઢીને છનાભાઈએ ચોમાસામાં ઘટેલી ઘટના યાદ કરી :

     ૨૦૧૫ની સાલ. આછકલી મેઘલી રાત. કૅફ ચરમ પર. કૅફ મોસમનો નહિ, પણ દારૂનો. સીધાં ડગલાંને ભૂલેલા પગ ઘરમાં ગયા. નાનકડા ઘરમાં રાહ જોતી પત્નીને પતિના લથડાતા પગ ન ગમ્યા. પત્નીએ કહેવા જેવા બે બોલ કહ્યા. અને આંગળીના ગોદાથી પણ પડી જાય એમ ડોલતું કાળુભાઈનું (નામ બદલ્યું છે) શરીર કડક થયું. લાલ આંખો વધારે લાલ થઈ. હોઠ હલ્યા અને દાંત કચકચ્યા. કાળુભાઈએ ચંપાબહેનનો (નામ બદલ્યું છે) ચોટલો ઝાલ્યો, ઝટકો માર્યો. ચંપાબહેન નીચે પડ્યાં. કાળુભાઈએ આમતેમ જોયું. ખૂણામાં પડેલું બરછટ ડૅગું લીધું. ઊભાં થવા મથતાં ચંપાબહેનની પીઠ પર માર્યું. ચીસ નીકળી. ચીસ સાંભળી ચંપાબહેનના સસરા દોડી આવ્યા. ત્યાં સુધી તો સોળ ઊઠે એવો બીજો ફટકો પડ્યો. ત્રીજા ફટકા માટે દીકરાએ ઉગામેલા ડૅગાને છનાભાઈએ પકડી લીધું. કાળુભાઈએ પાછળ જોયું. બાપને જોઈને સૂસવાટા મારતી હવા મોઢામાં ખેંચી, બહાર કાઢી, ખેંચી, બહાર કાઢી. છનાભાઈના શરીરમાં કંપારી કરંટ માફક ફરી વળી. કાળુભાઈએ ડૅગું ખેંચ્યું. છનાભાઈની આંગળીમાં ફાંસ વાગી. કાળુભાઈએ જોરથી ધક્કો માર્યો. છનાભાઈ ભીંતે ભટકાયા. બહાર રહી ગયેલી અડધી ફાંસ ટેરવામાં આખી ઘૂસી ગઈ. કાળુભાઈએ 'ઓચિંતો ઘા કર્યો', ડૅગુ ફટાક દઈને છનાભાઈના હાથ પર વાગ્યું. બીજો ફટકો કોણી પર વાગ્યો. છનાભાઈએ રાડ પાડી. ત્રીજા ફટકાએ છનાભાઈના ડાબા હાથની કોણી ભાંગી નાખી, અને 'હાથ નૅચે લબડી પડ્યો'. ડૅગાનો ફટકો છનાભાઈના ડાબા પગ પર પડ્યો, પડતો રહ્યો. 'પગનું હાઇડકું ભાંજી જ્યું.' રાડો સાંભળી આજુબાજુના ભેગા થયા. બેચાર જણે કાળુભાઈના હાથમાંથી માંડમાંડ ડૅગું છોડાવ્યું. છનાભાઈ રાડ પાડે અને કણસ્યા કરે, કણસે અને રાડ પાડ્યા કરે. પછી, છનાભાઈને વીસ દિવસ સિવિલમાં (અમદાવાદ) ખાટલો રહ્યો, બે મહિના ઘરમાં ખાટલો રહ્યો, અને કોણીમાં પ્લૅટ ને પગમાં સળિયો જીવે ત્યાં સુધીનાં.

 ડ્રાઇવિંગ કરવાળા છનાભાઈના હાથની કાબેલિયત માછલી પકડવામાં પણ ખરી ઊતરી

પાણીમાં જાળ નાખવી ફાવટનું કામ, જાળ ફેલાઈને ને ફુલાઈને પાણીમાં પડવી જોઈએ. છનાભાઈને આ ફાવટ પણ હસ્તગત થઈ.

     છનાભાઈ દારોદરા (66 વર્ષ) ખારાઘોડાના. ખારાઘોડા ગામ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં. ખારાઘોડાને અડીને કચ્છનું નાનું રણ. કચ્છનું નાનું રણ રેતી વગરનું રણ, ખારી માટીનું અને કાળી માટીનું રણ. રણવાસી છનાભાઈ દુ:ખના પનારે પડ્યા નાનપણથી, કારણ, દુ:ખ પરંપરાગત. પરંપરા આર્થિક અને સામાજિક બંને રીતની. સામાજિક એ રીતે કે છનાભાઈ આવે ચુંવાળિયા કોળીમાં, ચુંવાળિયા કોળી આવે વિમુક્ત જાતિઓમાં (DNTs - Denotified Tribes) અને વિમુક્ત જાતિઓ આવે સામાજિક અવહેલનામાં. અવહેલનાના કારણે આર્થિક ખેંચ આંત્રપુચ્છ (appendix) જેવી. આંત્રપુચ્છ સતત પજવનારી, અને ઑપરેશન માટે ખર્ચ વેઠનારી સામાજિક હૉસ્પિટલ પણ જડે નહીં. 'આખો વિસ્તાર જ મીઠાનો' એટલે હૉસ્પિટલ જડે પણ ક્યાંથી? હૉસ્પિટલ હોવાનું ભાન પણ ક્યાંથી હોય? વળી, મીઠાનો વિસ્તાર એટલે મજૂરી પણ નાનપણથી. તડકામાં સુકાતી ઢુંબા માછલીઓને સરખી કરતાં-કરતાં છનાભાઈએ 1975ની આસપાસના એમના નાનપણને યાદ કર્યું : 'અઢાર વરહ(ની ઉંમર) પેલાં થેલા દેતો મીઠાના. મીઠું ભરતા હોય ઈને (ખાલી) થેલા દેવાના. બસો ન ચાલી (240) થેલા દેવાના, ઈના પચા (પચાસ) પૈસા દેતા.' મીઠું ભરનારા ખાલી થેલામાં મીઠું ભરે, ગાડીમાં મૂકે, પાછા આવે ત્યારે છનાભાઈએ બીજો થેલો આપવાનો થાય. મીઠા ભરેલા 240 થેલાથી એક ગાડી ભરાય. 'પાંચ ગાડીના થેલા દેવાના થાય એટલે અઢી રૂપિયા જ મજૂરી થઈને?' છનાભાઈએ મીઠું ભરવાના થેલા આપવાના કામ પછી, થેલામાં મીઠું ભરવાના કામને યાદ કર્યું : 'લગન કર્યા એથીન્ (ત્યારથી) મેં મીઠાનું કામ સરૂ કર્યું. અઢાર વરહની મારી ઉંમર હતી તારે (ત્યારે). એ વખતે બતરી (બત્રીસ) પૈસા બોરીના. વધાર મજૂરી હોય તો તરી (ત્રીસ) રૂપિયા હાજરી થતી. એકહો દહ કિલોની ભરતી (બોરીનું વજન) થતી. મીઠાવારું (કામ) તો લગભગ બાવી વરહ(ની ઉંમર) હુદી કામ કર્યું.' છનાભાઈને મજૂરી બરાબર યાદ, પણ નાનપણમાં જ કોરાણે મુકાઈ ગયેલા નાનપણનું આટલું જ યાદ : 'ભણ્યો તો એક એકડો ય નહીં, અણભણ જ', અને, મને આશ્ચર્ય!
પતિ-પત્ની : ઑકળાના કાંઠે રૂપાબહેન, ઑકળામાં છનાભાઈ
     બીજું આશ્ચર્ય : છનાભાઈનો બીજો વ્યવસાય. છનાભાઈનાં લગ્નને બેત્રણ વર્ષ થયાં હશે અને એક ઘટના ઘટી, વહેળામાં જાળ નાખીને છનાભાઈએ એ ઘટના યાદ કરી : 'એંસી ન તૈણમાં (1983) મારા બાપા ગુજરી જ્યા', અને છનાભાઈનો વધારે કપરો કાળ આવ્યો : 'પસી મારા કાકાએ (બળદેવભાઈ) મારવા લીધો. માર્યોય ખરો. પસી મું નાસી આયો. હાત-હાત દાડા હુદી ખાધું નૉતું. પસી મું આંયાં (અહીંયાં) આયો મોસાળમંય, ખારાગોઢામંય (ખારાઘોડામાં).' ખારાઘોડાના ત્રણ ભાગ : જૂના ગામ, નવા ગામ અને સ્ટેશન. છનાભાઈનું મૂળ ગામ જૂના ગામ અને મોસાળ સ્ટેશન. મતલબ કાકાનો માર ખાઈ છનાભાઈ 'જૂના ગામ' છોડી 'સ્ટેશન'માં વસ્યા.

     છનાભાઈનો એક ભાઈબંધ. ભાઈબંધ કંડક્ટરી કરે બળદેવભાઈના ખટારામાં. એકવાર ભાઈબંધે કહ્યું, 'હાલ, તારા કાકા ગાડી સિખવાડસે.' છનાભાઈએ તરત જણાવ્યું, 'મારા કાકાએ મારીન કાઢી મૂક્યો તો ઈમને જોઈન મું ભાગી જઉં'. ભાઈબંધે આશ્વાસન આપ્યું, 'મું હુંન્, તારા કાકા નય મારઅ્.' છનાભાઈ કાકા કને ગયા. કાકાએ છનાભાઈને ત્રણ વર્ષ ખટારામાં કંડક્ટરી કરાવી. એકવાર અમે 'બારા (બહાર) નીકરી ગ્યા રણમાં. પસી મન સ્ટેરિંગ આપી દીધું કાકાએ. કાકા કેય, લે બેટા, સાયકલ કેવી રીતે ચલવીએ ઈમ ચલવ! ગેર (ગીઅર) બધું તો પસી સીખ્યો, પણ મેં ગાડી ચલવી. પસી મનઅ્ વિસય (વિષય) ગરી ગ્યો. પસી થ્યું કઅ્ મારે ચલવી તો ગાડી જ ચલવી.' છનાભાઈએ જાળ બહાર કાઢી, જાળમાં ફસાયેલી કાંટિયો માછલી બતાવીને કહ્યું : 'નેવુંમંઅ્ (1990માં) લાયસન (લાઇસન્સ) કઢાયું. ચોરાણુંમંઅ્ હેવી (HMV license) થ્યું.'
જાળમાં પકડાયેલી ચૈયા માછલી
     લાઇસન્સ આવ્યું એટલે છનાભાઈએ અલગ-અલગ નગરના અલગ-અલગ શેઠની અલગ-અલગ ગાડી અલગ-અલગ કામ માટે લગભગ તીસ વરસ ચલાવી : 'જય વડવાળાની ટૅન્કર ચલવી. પસી જસોદા ચોકડીવારા (અમદાવાદ) સદાર(સરદાર)ની ટ્રક ચલવી બે વરહ. પસી ચાંદોડિયા (ચાંદલોડિયા) પરજાપતિની ગાડી એક વરહ ચલવી. પસી ખારાગોઢાના ઠક્કરની ગાડી એક વરહ ચલવી. પસી કડી, ઈ મેં આઠ વરહ ચલવી રબારીની. પસી નંદાસણ સિવાભાઈ પટેલ,  ઈ મેં બે વરહ. પસી અમદાવાદ પરેમ (પ્રેમ) દરવાજા ગોવિદભાઈ પટેલ, ઈ મેં એક વરહ ગાડી ચલવી. પસી વણા, સુરેન્દ્રનગરની બાજુમાં, ઈ મેં બે વરહ ચલવી હરિભાઈ કુંભારની. પસી ખારાગોઢાનો જ હિરમ અને ફ્યુસ, ઈમની આઠ વરહ ચલવી. પસી ટેણિયો જમાદાર ખારાગોઢાનો ઈમની બે વરહ ગાડી ચલવી.' છનાભાઈ ગાડીના ડ્રાઇવર પણ પાક્કા. રસ્તાના જાણકાર પણ પાક્કા. આર.ટી.ઓ.વાળા સાથે માથાકૂટ કરવાની આવડત પણ પાક્કી, પણ, શહેરના રસ્તાઓ પર ગાડી લઈને જવાનું થાય ને છનાભાઈનું મન લબૂકલબૂક : 'સિટીમેં સું હે કે વન વે હોય. ચારે (ક્યારે) વન વે લાગી જાય, ચારે ખૂલે ન ચારે બારા (બહાર) નીકરે એ આપણને અણભણને (અભણને) ખબર પડઅ્ નંઈ. અમુક ટાઇમે લાલ, પીરી, લીલી લાઇટો કરે એ આપણને ખબર પડઅ્ નંઈ. પસી આપણે ડાયરેક (direct) ગરી જઈએ એકઅ્ આપણને પોલીસવારા હેરાન કરઅ્.'
ઑકળામાં માછલી પકડવા જગ્યા બદલવી પડે
ચૈયા માછલી
     છનાભાઈનું ડ્રાઇવિંગ ચાલ્યા કર્યું, લોકસંસાર પણ ચાલ્યા કર્યો, અને છનાભાઈનો ઘરસંસાર વધતો-ઘટતો ચાલ્યો. છનાભાઈ એક-એક એમ સાત છોકરાંના બાપ બન્યા, એક-એક એમ ચાર દીકરા ગુજરી ગયા, અને, એક દીકરી ને બે દીકરા જીવી ગયાં. છનાભાઈએ ત્રણેય દીકરા-દીકરીને પરણાવ્યાં. વખત વીતતાં છનાભાઈ નાના પણ બન્યા અને દાદા પણ.

    ત્રીજું આશ્ચર્ય : છનાભાઈએ ડ્રાઇવિંગ છોડ્યું. કારણ : 'ગાડી ચલવતો 'તો પસી આપણને થ્યું ક આંખમંઅ્ ઝાંખ પડી સે, ડિપ્રેસ (ડિફેક્ટ) થઈ સે. આંયાં ડૉક્ટર પાહે જ્યો એકઅ્ કેય મોતિયા નથી, ધુંવાસ ચડી ગૈ હે. હું રાજકોટ ગ્યો તો રાજકોટ સું કેય ક ધુંવાસ ચડી ગૈ હે. તે દવા આપી બાટલીમંઅ્, કેય મટી જસે. દવા નાખી પણ મટી જ નઈં. પસી ફરી જ્યો નંઈ. આપણા પાહે રૂપિયા હોય નય ન આપણે જઈ ના હકીએ. પસી હપ્પુચી મેલી જ દીધી ગાડી.'
  છનાભાઈ : 'આપતંતર ધંધો કૅવાય. જે લઈ જાય એ આલી જાય. બીજું કઅ્ કોયનું હાંભરવું નૉ પડઅ્.'