'ચુમાહામંઅ્ થ્યું 'તું. એટલ કઅ્ હું ઘરે હતો.' જાળમાં ફસાયેલી ચૈયા માછલી કાઢીને છનાભાઈએ ચોમાસામાં ઘટેલી ઘટના યાદ કરી :
૨૦૧૫ની સાલ. આછકલી મેઘલી રાત. કૅફ ચરમ પર. કૅફ મોસમનો નહિ, પણ દારૂનો. સીધાં ડગલાંને ભૂલેલા પગ ઘરમાં ગયા. નાનકડા ઘરમાં રાહ જોતી પત્નીને પતિના લથડાતા પગ ન ગમ્યા. પત્નીએ કહેવા જેવા બે બોલ કહ્યા. અને આંગળીના ગોદાથી પણ પડી જાય એમ ડોલતું કાળુભાઈનું (નામ બદલ્યું છે) શરીર કડક થયું. લાલ આંખો વધારે લાલ થઈ. હોઠ હલ્યા અને દાંત કચકચ્યા. કાળુભાઈએ ચંપાબહેનનો (નામ બદલ્યું છે) ચોટલો ઝાલ્યો, ઝટકો માર્યો. ચંપાબહેન નીચે પડ્યાં. કાળુભાઈએ આમતેમ જોયું. ખૂણામાં પડેલું બરછટ ડૅગું લીધું. ઊભાં થવા મથતાં ચંપાબહેનની પીઠ પર માર્યું. ચીસ નીકળી. ચીસ સાંભળી ચંપાબહેનના સસરા દોડી આવ્યા. ત્યાં સુધી તો સોળ ઊઠે એવો બીજો ફટકો પડ્યો. ત્રીજા ફટકા માટે દીકરાએ ઉગામેલા ડૅગાને છનાભાઈએ પકડી લીધું. કાળુભાઈએ પાછળ જોયું. બાપને જોઈને સૂસવાટા મારતી હવા મોઢામાં ખેંચી, બહાર કાઢી, ખેંચી, બહાર કાઢી. છનાભાઈના શરીરમાં કંપારી કરંટ માફક ફરી વળી. કાળુભાઈએ ડૅગું ખેંચ્યું. છનાભાઈની આંગળીમાં ફાંસ વાગી. કાળુભાઈએ જોરથી ધક્કો માર્યો. છનાભાઈ ભીંતે ભટકાયા. બહાર રહી ગયેલી અડધી ફાંસ ટેરવામાં આખી ઘૂસી ગઈ. કાળુભાઈએ 'ઓચિંતો ઘા કર્યો', ડૅગુ ફટાક દઈને છનાભાઈના હાથ પર વાગ્યું. બીજો ફટકો કોણી પર વાગ્યો. છનાભાઈએ રાડ પાડી. ત્રીજા ફટકાએ છનાભાઈના ડાબા હાથની કોણી ભાંગી નાખી, અને 'હાથ નૅચે લબડી પડ્યો'. ડૅગાનો ફટકો છનાભાઈના ડાબા પગ પર પડ્યો, પડતો રહ્યો. 'પગનું હાઇડકું ભાંજી જ્યું.' રાડો સાંભળી આજુબાજુના ભેગા થયા. બેચાર જણે કાળુભાઈના હાથમાંથી માંડમાંડ ડૅગું છોડાવ્યું. છનાભાઈ રાડ પાડે અને કણસ્યા કરે, કણસે અને રાડ પાડ્યા કરે. પછી, છનાભાઈને વીસ દિવસ સિવિલમાં (અમદાવાદ) ખાટલો રહ્યો, બે મહિના ઘરમાં ખાટલો રહ્યો, અને કોણીમાં પ્લૅટ ને પગમાં સળિયો જીવે ત્યાં સુધીનાં.
ડ્રાઇવિંગ કરવાળા છનાભાઈના હાથની કાબેલિયત માછલી પકડવામાં પણ ખરી ઊતરી
પાણીમાં જાળ નાખવી ફાવટનું કામ, જાળ ફેલાઈને ને ફુલાઈને પાણીમાં પડવી જોઈએ. છનાભાઈને આ ફાવટ પણ હસ્તગત થઈ.
છનાભાઈ દારોદરા (66 વર્ષ) ખારાઘોડાના. ખારાઘોડા ગામ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં. ખારાઘોડાને અડીને કચ્છનું નાનું રણ. કચ્છનું નાનું રણ રેતી વગરનું રણ, ખારી માટીનું અને કાળી માટીનું રણ. રણવાસી છનાભાઈ દુ:ખના પનારે પડ્યા નાનપણથી, કારણ, દુ:ખ પરંપરાગત. પરંપરા આર્થિક અને સામાજિક બંને રીતની. સામાજિક એ રીતે કે છનાભાઈ આવે ચુંવાળિયા કોળીમાં, ચુંવાળિયા કોળી આવે વિમુક્ત જાતિઓમાં (DNTs - Denotified Tribes) અને વિમુક્ત જાતિઓ આવે સામાજિક અવહેલનામાં. અવહેલનાના કારણે આર્થિક ખેંચ આંત્રપુચ્છ (appendix) જેવી. આંત્રપુચ્છ સતત પજવનારી, અને ઑપરેશન માટે ખર્ચ વેઠનારી સામાજિક હૉસ્પિટલ પણ જડે નહીં. 'આખો વિસ્તાર જ મીઠાનો' એટલે હૉસ્પિટલ જડે પણ ક્યાંથી? હૉસ્પિટલ હોવાનું ભાન પણ ક્યાંથી હોય? વળી, મીઠાનો વિસ્તાર એટલે મજૂરી પણ નાનપણથી. તડકામાં સુકાતી ઢુંબા માછલીઓને સરખી કરતાં-કરતાં છનાભાઈએ 1975ની આસપાસના એમના નાનપણને યાદ કર્યું : 'અઢાર વરહ(ની ઉંમર) પેલાં થેલા દેતો મીઠાના. મીઠું ભરતા હોય ઈને (ખાલી) થેલા દેવાના. બસો ન ચાલી (240) થેલા દેવાના, ઈના પચા (પચાસ) પૈસા દેતા.' મીઠું ભરનારા ખાલી થેલામાં મીઠું ભરે, ગાડીમાં મૂકે, પાછા આવે ત્યારે છનાભાઈએ બીજો થેલો આપવાનો થાય. મીઠા ભરેલા 240 થેલાથી એક ગાડી ભરાય. 'પાંચ ગાડીના થેલા દેવાના થાય એટલે અઢી રૂપિયા જ મજૂરી થઈને?' છનાભાઈએ મીઠું ભરવાના થેલા આપવાના કામ પછી, થેલામાં મીઠું ભરવાના કામને યાદ કર્યું : 'લગન કર્યા એથીન્ (ત્યારથી) મેં મીઠાનું કામ સરૂ કર્યું. અઢાર વરહની મારી ઉંમર હતી તારે (ત્યારે). એ વખતે બતરી (બત્રીસ) પૈસા બોરીના. વધાર મજૂરી હોય તો તરી (ત્રીસ) રૂપિયા હાજરી થતી. એકહો દહ કિલોની ભરતી (બોરીનું વજન) થતી. મીઠાવારું (કામ) તો લગભગ બાવી વરહ(ની ઉંમર) હુદી કામ કર્યું.' છનાભાઈને મજૂરી બરાબર યાદ, પણ નાનપણમાં જ કોરાણે મુકાઈ ગયેલા નાનપણનું આટલું જ યાદ : 'ભણ્યો તો એક એકડો ય નહીં, અણભણ જ', અને, મને આશ્ચર્ય!
પતિ-પત્ની : ઑકળાના કાંઠે રૂપાબહેન, ઑકળામાં છનાભાઈ
બીજું આશ્ચર્ય : છનાભાઈનો બીજો વ્યવસાય. છનાભાઈનાં લગ્નને બેત્રણ વર્ષ થયાં હશે અને એક ઘટના ઘટી, વહેળામાં જાળ નાખીને છનાભાઈએ એ ઘટના યાદ કરી : 'એંસી ન તૈણમાં (1983) મારા બાપા ગુજરી જ્યા', અને છનાભાઈનો વધારે કપરો કાળ આવ્યો : 'પસી મારા કાકાએ (બળદેવભાઈ) મારવા લીધો. માર્યોય ખરો. પસી મું નાસી આયો. હાત-હાત દાડા હુદી ખાધું નૉતું. પસી મું આંયાં (અહીંયાં) આયો મોસાળમંય, ખારાગોઢામંય (ખારાઘોડામાં).' ખારાઘોડાના ત્રણ ભાગ : જૂના ગામ, નવા ગામ અને સ્ટેશન. છનાભાઈનું મૂળ ગામ જૂના ગામ અને મોસાળ સ્ટેશન. મતલબ કાકાનો માર ખાઈ છનાભાઈ 'જૂના ગામ' છોડી 'સ્ટેશન'માં વસ્યા.છનાભાઈનો એક ભાઈબંધ. ભાઈબંધ કંડક્ટરી કરે બળદેવભાઈના ખટારામાં. એકવાર ભાઈબંધે કહ્યું, 'હાલ, તારા કાકા ગાડી સિખવાડસે.' છનાભાઈએ તરત જણાવ્યું, 'મારા કાકાએ મારીન કાઢી મૂક્યો તો ઈમને જોઈન મું ભાગી જઉં'. ભાઈબંધે આશ્વાસન આપ્યું, 'મું હુંન્, તારા કાકા નય મારઅ્.' છનાભાઈ કાકા કને ગયા. કાકાએ છનાભાઈને ત્રણ વર્ષ ખટારામાં કંડક્ટરી કરાવી. એકવાર અમે 'બારા (બહાર) નીકરી ગ્યા રણમાં. પસી મન સ્ટેરિંગ આપી દીધું કાકાએ. કાકા કેય, લે બેટા, સાયકલ કેવી રીતે ચલવીએ ઈમ ચલવ! ગેર (ગીઅર) બધું તો પસી સીખ્યો, પણ મેં ગાડી ચલવી. પસી મનઅ્ વિસય (વિષય) ગરી ગ્યો. પસી થ્યું કઅ્ મારે ચલવી તો ગાડી જ ચલવી.' છનાભાઈએ જાળ બહાર કાઢી, જાળમાં ફસાયેલી કાંટિયો માછલી બતાવીને કહ્યું : 'નેવુંમંઅ્ (1990માં) લાયસન (લાઇસન્સ) કઢાયું. ચોરાણુંમંઅ્ હેવી (HMV license) થ્યું.'
જાળમાં પકડાયેલી ચૈયા માછલી
લાઇસન્સ આવ્યું એટલે છનાભાઈએ અલગ-અલગ નગરના અલગ-અલગ શેઠની અલગ-અલગ ગાડી અલગ-અલગ કામ માટે લગભગ તીસ વરસ ચલાવી : 'જય વડવાળાની ટૅન્કર ચલવી. પસી જસોદા ચોકડીવારા (અમદાવાદ) સદાર(સરદાર)ની ટ્રક ચલવી બે વરહ. પસી ચાંદોડિયા (ચાંદલોડિયા) પરજાપતિની ગાડી એક વરહ ચલવી. પસી ખારાગોઢાના ઠક્કરની ગાડી એક વરહ ચલવી. પસી કડી, ઈ મેં આઠ વરહ ચલવી રબારીની. પસી નંદાસણ સિવાભાઈ પટેલ, ઈ મેં બે વરહ. પસી અમદાવાદ પરેમ (પ્રેમ) દરવાજા ગોવિદભાઈ પટેલ, ઈ મેં એક વરહ ગાડી ચલવી. પસી વણા, સુરેન્દ્રનગરની બાજુમાં, ઈ મેં બે વરહ ચલવી હરિભાઈ કુંભારની. પસી ખારાગોઢાનો જ હિરમ અને ફ્યુસ, ઈમની આઠ વરહ ચલવી. પસી ટેણિયો જમાદાર ખારાગોઢાનો ઈમની બે વરહ ગાડી ચલવી.' છનાભાઈ ગાડીના ડ્રાઇવર પણ પાક્કા. રસ્તાના જાણકાર પણ પાક્કા. આર.ટી.ઓ.વાળા સાથે માથાકૂટ કરવાની આવડત પણ પાક્કી, પણ, શહેરના રસ્તાઓ પર ગાડી લઈને જવાનું થાય ને છનાભાઈનું મન લબૂકલબૂક : 'સિટીમેં સું હે કે વન વે હોય. ચારે (ક્યારે) વન વે લાગી જાય, ચારે ખૂલે ન ચારે બારા (બહાર) નીકરે એ આપણને અણભણને (અભણને) ખબર પડઅ્ નંઈ. અમુક ટાઇમે લાલ, પીરી, લીલી લાઇટો કરે એ આપણને ખબર પડઅ્ નંઈ. પસી આપણે ડાયરેક (direct) ગરી જઈએ એકઅ્ આપણને પોલીસવારા હેરાન કરઅ્.'
ઑકળામાં માછલી પકડવા જગ્યા બદલવી પડે
ચૈયા માછલી
છનાભાઈનું ડ્રાઇવિંગ ચાલ્યા કર્યું, લોકસંસાર પણ ચાલ્યા કર્યો, અને છનાભાઈનો ઘરસંસાર વધતો-ઘટતો ચાલ્યો. છનાભાઈ એક-એક એમ સાત છોકરાંના બાપ બન્યા, એક-એક એમ ચાર દીકરા ગુજરી ગયા, અને, એક દીકરી ને બે દીકરા જીવી ગયાં. છનાભાઈએ ત્રણેય દીકરા-દીકરીને પરણાવ્યાં. વખત વીતતાં છનાભાઈ નાના પણ બન્યા અને દાદા પણ.ત્રીજું આશ્ચર્ય : છનાભાઈએ ડ્રાઇવિંગ છોડ્યું. કારણ : 'ગાડી ચલવતો 'તો પસી આપણને થ્યું ક આંખમંઅ્ ઝાંખ પડી સે, ડિપ્રેસ (ડિફેક્ટ) થઈ સે. આંયાં ડૉક્ટર પાહે જ્યો એકઅ્ કેય મોતિયા નથી, ધુંવાસ ચડી ગૈ હે. હું રાજકોટ ગ્યો તો રાજકોટ સું કેય ક ધુંવાસ ચડી ગૈ હે. તે દવા આપી બાટલીમંઅ્, કેય મટી જસે. દવા નાખી પણ મટી જ નઈં. પસી ફરી જ્યો નંઈ. આપણા પાહે રૂપિયા હોય નય ન આપણે જઈ ના હકીએ. પસી હપ્પુચી મેલી જ દીધી ગાડી.'
છનાભાઈએ વર્ષ 2011-12માં ડ્રાઇવિંગ છોડ્યું, પણ એમની પાસે એવી કોઈ બચત નહીં. બચતની એવી કોઈ આવડત નહીં. રૂપિયા આવ્યા ને વાપર્યા. વળી, 'તારે (ત્યારે) ઇસ્ટાટિંગમાં મારો પગાર હતો મયનાનો તૅણ હજાર, અન લૉકલ ફેરવું તો હજાર રૂપિયે મયને અન પચા રૂપિયા ભથ્થું એટલે ચા-પાણી, ખાવાનો ખરચો (છનાભાઈ).' છનાભાઈએ ડ્રાઇવિંગ છોડ્યું ત્યારે એમનો 'સેલ્લામાં સેલ્લો પગાર દહ હજાર હતો.'
જીવનનાં મહત્ત્વનાં વરસો ખટારામાં ગયાં એટલે છનાભાઈ અગરમાં મીઠું પકવવાનું કામ શીખ્યા નહીં, આંખમાં ઝાંખપ આવી એટલે ધખતા તાપમાં અગરનું પરંપરાગત કામ શિખાય નહીં, મોટી ઉંમરે બીજા કામમાં જટ ફાવટ આવે નહીં, અને, કામનો બીજો કોઈ વિકલ્પ નહીં. તો કામ કરવું શું? અને છનાભાઈને ઘરથી થોડે દૂરનો ઑકરો (વહેળો) યાદ આવ્યો.
ઑકળાના કાંઠે પૌત્ર અક્ષય સાથે માછલી સાફ કરતા છનાભાઈ
છનાભાઈ ઑકરાના કાંઠે ગયા. ઑકરાનો પટ ઠીક-ઠીક મોટો. વિચાર્યું અહીં માછલાં પકડું તો કેવું? વિચારને વાસ્તવમાં ફેરવવાની છનાભાઈએ મથામણ કરી. શરૂઆતમાં ગલ નાખીને માછલાં પકડ્યાં. ચોમાસાના કારણે માછલાં પ્રમાણમાં સારાં પકડાયાં. પકડીને ઘરે લાવ્યાં. માછલાં ઘરમાં રંધાયાં પણ ખરાં અને વેચાયાં પણ ખરાં. છનાભાઈને થયું, આ તો 'આપતંતર ધંધો કૅવાય. જે લઈ જાય એ આલી જાય. બીજું કઅ્ કોયનું હાંભરવું નૉ પડઅ્.' મતલબ, છનાભાઈને આવકનું સાધન મળી ગયું, ખુદનો ધંધો મળી ગયો. છનાભાઈએ માછલાં પકડવાનું રોજનું કર્યું. ગલમાંથી જાળ પર આવ્યા. માછલાં પકડવાનું વધતું ગયું. ખોડંગાતું ઘરનું ગાડું ગરરર ચાલવા લાગ્યું. 'બેઉ સોકરાની લૅણ (લાઇન) અરવી (અવરી/ળી)', પણ માછલાંઓથી છનાભાઈની કેડી સીધી બની. 'મીઠાનાં બખડિયાં ઉપાડવા, રણમાં મીઠાની ગાડીઓ ભરવા' જતાં છનાભાઈનાં પત્ની રૂપાબહેન છનાભાઈના ટેકામાં આવ્યાં. છનાભાઈ માછલાં પકડે, રૂપાબહેન માછલાં પકડવામાં મદદ કરે.
પાણી છાંટતાં રૂપાબહેન. ઢુંબા માછલીને સૂકવવી પડે, સૂકવતા પહેલાં જમીન પર પાણી છાંટવું પડે.
ઢુંબા માછલી નાખતાં રૂપાબહેન
ઢુંબા માછલી
માછલાં વધારે પકડાય તો ગામમાં વેચવા જાય. ધીમેધીમે ગામમાં ખબર પડી. ગામના ઘણા ઑકરા પર માછલાં લેવા આવતા થયા. આવનારા ગમતાં માછલાં લઈ જાય અને માપના પૈસા આપી જાય. માપના પૈસા, મતલબ, ઑકરામાં મોટાં માછલાં આવે નહીં, આવે તો કોઈ-કોઈ વાર. નાનાં માછલાંના પૈસા ઓછા, પણ છનાભાઈને એનો રંજ નહીં. અડધો જન્મારો બહાર કાઢ્યા પછી ઓછી આવકે પણ ગામમાં જીવવાનું છનાભાઈને ગમે જ ને!છનાભાઈને ગમવા લાગેલા જીવનમાં ભારે અળવીતરું આવ્યું. છનાભાઈના દીકરા કાળુભાઈ કેફમાં ને કેફમાં આડાઈ પર ઊતર્યા. ડૅગાથી પત્ની ચંપાબહેનને મારી, બાપના હાથની કોણી અને પગનો નળો ભાંગી નાખ્યો. ચંપાબહેન કંટાળીને દીકરાને છોડીને નવસારી પિયરમાં જતાં રહ્યાં. સાજા થયા પછી છનાભાઈએ મોસાળનું ઘર છોડી ઑકરા-કાંઠે છાપરું તાણ્યું. રૂપાબહેન પણ સાથે રહેવા લાગ્યાં, અને દીકરાનો દીકરો અક્ષય પણ. 'અણભણ' રહેલો અક્ષય હાલ માછલાં પકડતા દાદાને 'આડીઅરવી' મદદ કરે, રખડે અને જીવનને એની જાણ બહાર વેડફે. વેડફાતા જીવનમાં પણ તેરેક વર્ષના અક્ષયને માછલાંની બરાબર ખબર પડવા લાગી છે. સત્તર જાતનાં માછલાંને અક્ષય નામથી ઓળખી જાણે છે. 'ઢુંબા, સાલડી, ચૈયા, કાંટિયો, પલ્લી, સોટિયા, ડમ્મરિયા, લાયરી, કારાડાંહા, મોરાખી, ઢેબરા, ઢાંગરી, સૉડી, સેરિયા, કાનસી' માછલાંનાં નામ ફટફટ બોલી અક્ષયે ઑકરામાં ધુબાકો માર્યો.
છનાભાઈ જાતભાતની માછલીઓ પકડે : ઢુંબા, સાલડી, ચૈયા, કાંટિયો, પલ્લી, સોટિયા, ડમ્મરિયા, લાયરી, કારાડાંહા, મોરાખી, ઢેબરા, ઢાંગરી, સૉડી, સેરિયા, કાનસી. છનાભાઈના હાથમાં કાંટિયો માછલી.
કાંટિયો માછલી
અક્ષયને જોતાં-જોતાં છનાભાઈ બોલ્યા : 'જાતજાતની મચ્સી આવે, ચુમાહા પૂરતી. સિયારામાં ઓસી જડે. ઉનારામાં એથીય ઓસી જડે'. પછી હસતાં-હસતાં કહ્યું, 'જડી જાય તો સિકારી, નય તો ભિખારી'. મારી સામે જોયું અને હળવું હસીને સમજાવ્યું, 'મચ્સી એક દિવસની બસોની થઈ જાય, પૉનસોની થઈ જાય, તૈણસોની થઈ જાય, હજારનીય થઈ જાય, પણ ચુમાહા પૂરતું, પણ પાસું નૉ જડઅ્ તો ઠામકી નૉ જડઅ્'. અને મને 'જડી જાય તો સિકારી, નય તો ભિખારી'નો અર્થ સમજાઈ ગયો.
'જાતજાતની મચ્સી આવે, ચુમાહા પૂરતી. સિયારામાં ઓસી જડે. ઉનારામાં એથીય ઓસી જડે' ઉનાળામાં માછલી ઓછી પકડાતાં બે-અઢી કિલોમીટર દૂર મેલડીના મંદિર પાસે પૌત્ર અક્ષયને લઈ જતા છનાભાઈ.
ઘણાબધા ઑકળાનું પાણી ભેગું થઈ મેલડીના મંદિર પાસે છીછરા પાણીનો વિશાળ પટ બનાવે. અહીં માછલાં પ્રમાણમાં સારાં પકડાય.
'જડી જાય તો સિકારી, નય તો ભિખારી.' મેલડીના મંદિર પાસે જાળ નાખી શિકારી બનતા છનાભાઈ
માછલીની શોધમાં શિકારી છનાભાઈ
છનાભાઈએ ઉમેર્યું, 'મચ્સી તો ચેટલીય આવે. ચાર કિલોય થઈ જાય, પૉંચ કિલોય થઈ જાય, દહ કિલોય થઈ જાય. જો આવી જાય તો વેકવાય જવી પડે. મારાં ઘરનાં (રૂપાબહેન) વેકવા જાય નવા ગામ, જૂના ગામ, નવા પરા ગામમાં.' કોણ-કોણ ખરીદે? 'મચ્સી લેવા ઠાકોર વધાર આવે, મુસલમાનો ઓસા આવે. કાંટિયાની વધારે માંગ હોય, ચૈયાની ઓસી, પણ કાંટિયો અતાર (ઉનાળામાં) નૉ જડે, ચૈયા વધારે જડે. ઢુંબા મચ્સી મિયાંણા લોકોને આલીએ, તરીએ (ત્રીસ રૂપિયે) આલીએ કિલોના'. આ તો આવક થઈ. ખર્ચ પણ થતો હશે ને માછલાં પકડવા માટે? છનાભાઈએ હકારમાં માથું હલાવ્યું.
ખારાઘોડાના નવાગામ-વિસ્તારમાં સવારે માછલાં વેચવા જતાં રૂપાબહેન
માછલાં તો વેચ્યાં પછી ઘરાક સાથે સુખદુઃખની વાતો કરતાં રૂપાબહેન.
રૂપાબહેન
માછલાં પકડવા માટે ત્રણ સાધન મહત્ત્વનાં : એક જાળ, બીજું વાવરિયું અને ત્રીજું ગૂંજો.
જાળ વરસમાં એકવાર લાવવી પડે. એની કિંમત હજાર રૂપિયાની આસપાસ. જાળ 'દહ હાથની આવે, આઠ હાથનીય આવે, હાત હાથનીયે આવે, કોઈ પાંચ હાથ લાંબી હોય, કોઈ હાડા ચાર હાથની રાખે (છનાભાઈ)'. પાણીના પટ અને આવડત પર જાળની લંબાઈનો આધાર. નવાસવા શીખનારા માટે સાડા ચાર હાથની લંબાઈવાળી જાળ વધારે સારી, વધારે લાંબી હોય તો : 'ઘા કરે તો જાર (જાળ) ફુલાય નહીં, લોંદો પડે.'

જાળ નાની-મોટી ઘણા પ્રકારની આવે. માછીમારો હાથની લંબાઈથી જાળને ઓળખે. મોટી દસ હાથની અને નાની સાડાચાર હાથની. શિખાઉ માટે નાની જાળ ઉપયોગી, પાણીમાં નાખતી વખતે જાળનો લોંદો ના પડે, પણ ફેલાઈને પડે.
ઑકળામાં જાળ નાખતા છનાભાઈ
પાણીમાંથી જાળ કાઢતા છનાભાઈ
વાવરિયું જોડમાં આવે. 'વાવરિયાના ચારસો રૂપિયા અઢીસો ગરામના (ગ્રામના). બે બાંધા લાવો એટલે આઠસો રૂપિયા થાય. એની દોરી આવે બે કોર નાખવાની. એ દોરીના એંસી રૂપિયા લેય, હોયે લેય' (છનાભાઈ). વાવરિયાંનો ખર્ચો વધારે. 'વાવરિયું મચ્સી તોડી નાખે. એના ફડદા બોલાઈ જાય પસી નવું લાવવું પડઅ્. વાવરિયું અઠવાડિયું ચાલે, પંદર દિવહય ચાલે, વીહ દાડાય ચાલે.' વાવરિયું કોને કહેવાય? છનાભાઈએ સમજાવ્યું : 'મચ્સી પકડવા મોટાં વાવરિયાં જાર (જાળ) જેવાં જ આવે. ઈને માંડવાના આવે. બાવળિયાના હોટા હોયને ઈને કાપીન, સોલીન વાવરિયામાં ઘાલવાના, આ કાંઠાથી હામેના કાંઠા હુધી.'
વાવરિયું : મચ્સી પકડવા મોટાં વાવરિયાં જાર (જાળ) જેવાં જ આવે. ઈને માંડવાના આવે. બાવળિયાના હોટા હોયને ઈને કાપીન, સોલીન વાવરિયામાં ઘાલવાના, આ કાંઠાથી હામેના કાંઠા હુધી.'
માછલાં પકડવાનાં સાધનોમાં ગૂંજો સૌથી મોંઘો. નવો જ ખરીદેલો ગૂંજો જોતા છનાભાઈ.
ગૂંજો સૌથી મોંઘો. ટકે પણ વધારે. 'ગૂંજા બાર મયના ટકી જાય. એ પડે આપણને તણ હજારમંઅ્. બે માંડો એકઅ્ છૉ હજાર થાય. માંડેલો હોય તો પાસળ તેર હાથ લાંબો હોય ગૂંજો.' : હાથ લાંબો કરી છનાભાઈએ પ્લૅટ લાગેલી કોણી પર ખણ્યું. આવક અને ખર્ચની જાણે માંડણી કરતા હોય એમ, 'મચ્સીના ધંધાથી બે માણહ અમે (પતિ-પત્ની), અન સોકરાના સોકરા તૈણ નભીએ'. પછી ઉમેર્યું, 'પેટનું ગુજરાન તો કરવું પડે કે નૈ. આપણને કુણ આપી દય. બે છોકરામાંથી એકે પાંચિયુંય નથી આપતા.' ઢીંચણનો ટેકો લઈ છનાભાઈ ઊભા થયા. આળસ મરડીને સંકોચ વગર કહ્યું, 'મારઅ્ થોડું લેવું પડસી'. હું હસ્યો. 'લીધા પસી મારઅ્ કસી બબાલ નૈ.' હું ફરી હસ્યો. ઝાંખું દેખતા છનાભાઈના ઝાંખા દેખાતા ચહેરા પર હાસ્ય દેખાયું. સાંજ થોડીવાર પહેલાં જ ઢળી ગઈ હતી.

























